વિશ્વના 90 ટકાથી વધુ ડાયમંડના કટિંગ-પોલિશિંગ કરતાં સુરતમાં છેલ્લા થોડા મહિનાથી નેચરલ રફ ડાયમંડની અછતનો સામનો કરી રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધના લીધે ઉદ્ભવતી આ સમસ્યાનો સામનો કરવા માટે, શહેરના હીરા ઉદ્યોગે લેબ ગ્રોન ડાયમંડ (LGD)નું ઉત્પાદન વધાર્યું છે. ઉત્પાદનમાં વૃદ્ધિ સાથે ભારત આવા હીરાનો બીજો સૌથી મોટો સપ્લાયર બન્યો છે.
પ્રથમ સ્થાને ચીન છે. સુરતમાં 500થી વધુ લેબ ગ્રોન ડાયમંડના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે. જેની સંખ્યા સતત વધી રહી છે. પરિણામે ભારતમાં વિશ્વના આશરે 15 ટકા લેબ ગ્રોન ડાયમંડ બની રહ્યા છે. જો કે, ચીનમાં 56 ટકા એલજીડીનું ઉત્પાદન કરે છે. પરંતુ ભારતનો ગ્રોથ ઝડપથી વધી રહ્યો છે.
ભંડેરી લેબ ગ્રોન ડાયમંડ્સના ચેરમેન ઘનશ્યામ ભંડેરીએ જણાવ્યુ હતુ કે, 2-3 વર્ષમાં ભારતમાં એલજીડીનું ઉત્પાદન અમુક હજાર કેરેટથી વધી 30 લાખ કેરેટ અર્થાત 15,500 કરોડનું થયુ છે. ગત નાણાકીય વર્ષમાં ભારતમાંથી પોલિશ્ડ એલજીડીની નિકાસ 106 ટકા વધી 10 હજાર કરોડ થઈ છે.